રસપ્રદ બની રહેલી અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હારિસ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શીયલ ડિબેટમાં જબરા તીખા પ્રહારો
અમેરિકામાં ગેરકાનુની વસતા વિદેશીઓથી લઇ ગર્ભપાત અને અર્થતંત્ર સહિતના મુદ્દે દલીલ : જો હારિસ પ્રમુખ બનશે તો ઇઝરાયલનું અસ્તિત્વ ખતરામાં હશે : ટ્રમ્પ
અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બની શકતી પ્રમુખ પદની ચૂંટણીમાં આજે ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હારિસ અને પૂર્વ પ્રમુખ તેમજ રીપબ્લીકન પાર્ટીના પ્રમુખ પદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અમેરિકાના પેન્સીલ્વેલીયા ખાતે એબીસી ન્યુઝની પ્રથમ પે્રસીડેન્શીયલ ડિબેટમાં બંનેએ એક બીજા ઉપર તીખા પ્રહારો કર્યા હતા.
90 મીનીટની આ ડિબેટમાં કમલા હારિસએ ડોનાલ્ડ ટ્રમ્પની ઘરઆંગણાની અને વિદેશ બંને નીતિની આકરી ઝાટકણી કાઢીને સ્કોર કરવા પ્રયત્ન કર્યો હતો. ટ્રમ્પ અને હારીસ વચ્ચેની આ ડિબેટમાં અગાઉ જો બાઇડન સાથેની ટ્રમ્પની ડિબેટ કરતા અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આક્રમક તેમજ ભાષામાં પોતાની મર્યાદા ચૂકવા માટે જાણીતા ટ્રમ્પને આ ડિબેટમાં હારિસે ભીંસમાં લીધા હતા.
બંને વચ્ચે રશીયા-યુક્રેન યુધ્ધ ઇઝરાયલ-હમાસ જંગ ચીન સાથેના અમેરિકાના વ્યાપારથી લઇને અમેરિકાની બેરોજગારી તેમજ ગર્ભપાત સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. યુક્રેન યુધ્ધ પર તીખી ચર્ચા દરમ્યાન હારિસે સીધા જ ટ્રમ્પને નિશાન બનાવતા કહ્યું કે જો આજે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતો. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કયારના કીવ (યુક્રેનના પાટનગર) પહોંચી ગયા હોત અને ટ્રમ્પને કહ્યું કે પુતિન કોઇના સગા નથી અને પોતાના સ્વાર્થ માટે ટ્રમ્પને પણ દગો કરતા ચૂકે તેવા નથી. ટ્રમ્પે તેનો સીધો જવાબ ન આપ્યો પણ કહ્યું કે યુક્રેન યુધ્ધ રોકાવું જોઇએ અને મને લાગે છે કે આ યુધ્ધ રોકાઇ તે અમેરિકા માટે જરૂરી છે.
બંને વચ્ચે ચીન મુદ્દે પણ જબરી દલીલ થઇ હતી અને કમલા હારિસે ટ્રમ્પને આકરી ભાષામાં કહ્યું કે તમારા હાથે અમેરિકા ચીનને વેંચાઇ ગયું હતું તેમનો ખાસ મુદ્દો જે રીતે અમેરિકાની માઇક્રો ચીપ્સ ચીને વેંચવાની મંજૂરી અપાઇ તેના પર હતો અને હારિસે કહ્યું કે ચીને અમેરિકાની માઇક્રો ચીપ્સથી જ પોતાના શસ્ત્રોને આધુનિક બનાવ્યા છે અને આજે તે તાઇવાન માટે પણ મુશ્કેલ સ્થિતિ બની ગયું છે.
જોકે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે જો કમલા હારિસ પ્રમુખ બનશે તો બે વર્ષમાં ઇઝરાયલનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ જશે. ફરી એક વખત બંને વચ્ચે પુતિનનો મુદ્દો ઉઠયો હતો અને કમલા હારિસે જવાબ આપતા કહ્યું કે પુતિન ટ્રમ્પને લંચમાં ખાઇ જાય તેવા છે.
ટ્રમ્પે અમેરિકામાંથી ગેરકાનુની વસાહતીઓને દુર કરવા જે એજન્ડા જાહેર કર્યો છે તેને આગળ વધારવાની ખાતરી આપતા કહ્યું કે આ માઇગ્રેટ લોકો ઇટીંગ કેટ જેવા છે જે અમેરિકાનો હિસ્સો ખાઇ જાય છે. લગભગ 90 મીનીટની ડિબેટમાં પ્રારંભમાં હાથ મિલાવ્યા હતા અને સ્મિત પણ આપ્યું હતું. જોકે બંને આક્રમક મિજાજમાં જણાતા હતા અને અનેક વખત બંને વચ્ચે તીખી બહેશ થઇ હતી.


