જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પંચે કેટલાક આદેશ આપીને રાજ્યમાં હવે કોઇ અટકાયતી ધારા હેઠળ ધરપકડ નહીં કરવા અને કોઇ ઉમેદવારની રેલી કે સભા રદ નહીં કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.
આખરી ઘડીએ ઉમેદવારની રેલી કે સભા રદ કરવા પર પ્રતિબંધ: બુથ પણ બદલી શકાશે નહીં

જમ્મુ કાશ્મીરમાં યોજાનારા પ્રથમ તબકકાના મતદાન પૂર્વે જ ચૂંટણી પંચે કેટલાક આદેશ આપીને રાજ્યમાં હવે કોઇ અટકાયતી ધારા હેઠળ ધરપકડ નહીં કરવા અને કોઇ ઉમેદવારની રેલી કે સભા રદ નહીં કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત અગાઉથી જે બુથ નિશ્ચિત થયા છે તે પણ ચૂંટણીપંચ દિલ્હીની મંજુરી વગર ફેરફાર કરી શકાશે નહીં. છેલ્લી ચૂંટણીમાં વ્યાપકપણે ધરપકડનો દોર ચલાવવામાં આવ્યો હતો અને સલામતીના નામે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.
પરંતુ ચૂંટણીપંચે હવે જે લોકોનું ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ન હોય તેમના સિવાય કોઇપણની અટકાયતી ધારાહેઠળ ધરપકડ કે નજરકેદ નહીં રાખવા સૂચના અપાઇ છે અને છેલ્લી ઘડીએ રેલી કે સભા પણ રદ કરી શકાશે નહીં.
આ ઉપરાંત રાજ્યમાં તમામ ઉમેદવારોને પૂરતી સુરક્ષા આપવા જણાવાયું છે. જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારોએ 3034 રેલી અને સભાને મંજુરી આપી હતી જેમાંથી 2023 મંજુર કરાઇ છે. દસ વર્ષ પછી અહીં ધારાસભા માટે મતદાન યોજાઇ રહ્યું છે અને પ્રથમ તબકકામાં 18 સપ્ટેમ્બરના મતદાન થશે જ્યારે બીજા તબકકામાં 1 ઓકટો.માં મતદાન થશે.