ગઇકાલે એક નાટયાત્મક જાહેરાતમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી, આમ આદમી પાર્ટીમાં અનેક દાવેદારો હોવાનો સંકેત ,
કેજરીવાલ રાબડી દેવીવાળી કરશે ! ભાજપે પ્રશ્ન ઉઠાવ્યો : જોકે કેજરીવાલ અને સિસોદીયાની ગેરહાજરીમાં સરકાર ચલાવનાર આતિશીને મુખ્યમંત્રી બનાવાઇ તેવી શકયતા : પક્ષમાં ચંમ્પઇ સોરેનવાળી ટાળવાની કસોટી : ઇડી - સીબીઆઇની પણ ચિંતા કરવી પડશે

ગઇકાલે એક નાટયાત્મક જાહેરાતમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરીને એક તરફ હાલનું ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમ બનાવી દીધુ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલનું સ્થાન કોણ લેશે તે ચર્ચા પણ વેગવાન બની છે અને તેમાં હાલ મંત્રી મંડળમાં નં. રનું સ્થાન ધરાવતા અને નાણા સહિતના મહત્વના વિભાગો સંભાળતા આતિશી ફ્રન્ટરનર હોવાનું માનવામાં આવે છે.
તો કેજરીવાલ માટે તેના અનુગામીનું નામ સ્વીકાર્ય બનાવવું તે પણ એક પડકાર હશે. કેજરીવાલે રાજીનામાની જાહેરાત કરીને બે દિવસનો સમયગાળો રાખ્યો છે. આ રીતે તેઓએ બીજી વખત દિલ્હીનું મુખ્યમંત્રી પદ છોડયું છે.
અગાઉ 49 દિવસની સરકાર ચલાવ્યા પછી ફેબ્રુઆરી-2014માં તેણે રાજીનામુ આપ્યું હતું. પરંતુ ગઇકાલના રાજીનામાનું કારણ અલગ છે અને માનવામાં આવે છે કે નવા મુખ્યમંત્રીનું નામ સર્વસંમત બનશે તેમ છતાં પણ આમ આદમી પાર્ટીમાં હવે કેજરીવાલ અને મનીષ સીસોદીયા બાદ જે નેતૃત્વ છે તેની એક સમાન હરોળ છે તે રીતે તમામને રાજી રાખવામાં પણ કેજરીવાલ માટે એક પડકાર છે.
સુત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલ એક વખત રાજીનામુ આપી દે તે પછી વિધાનસભા પક્ષની બેઠક મળશે અને તેમાં નવા નામની પસંદગી કરાશે. આ પ્રક્રિયા આ સપ્તાહમાં પૂરી થઇ જશે તેવી આશા છે. કેજરીવાલ ઉપરાંત શરાબકાંડમાં તેમની સાથે જ લાંબો સમય જેલમાં રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ સ્પર્ધામાં નથી અને તેથી આતિશી જે કેજરીવાલ અને સીસોદીયાની ગેરહાજરીમાં દિલ્હીની સરકાર સંભાળતા હતા. તે ઉપરાંત એક નવા નામમાં સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને કૈલાસ ગેહલોતના નામ પણ ચર્ચામાં છે. કેજરીવાલે એવા મુખ્યમંત્રી પસંદ કરવા પડશે ઇડી કે સીબીઆઇના સકંજામાં આવી શકે નહી.
બે નામમાં સૌને રસ છે તેમાં કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને પક્ષના રાજયસભાના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના નામ પણ ચર્ચામાં છે. જોકે બંને ધારાસભ્ય નથી અને છ મહિનામાં ચૂંટાવું પડે ત્યાં સુધીમાં દિલ્હીમાં ચૂંટણી યોજાઇ જશે તેવું માનવામં આવે છે. વિધાનસભાની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે.