અરવિંદ કેજરીવાલ આવતીકાલે મુખ્યમંત્રી પદ છોડશે તેમના અનુગામી અંગેકેજરીવાલના નિવાસે બેઠકોનો ધમધમાટ રાઘવ ચઢ્ઢા પણ ફ્રન્ટ રનર તરીકે ચર્ચામાં ,
રાજયસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાની બેઠક મળી હતી અને આજે સાંજે આમ આદમી પાર્ટીની પોલીટીકલ અફેર્સ કમીટીની બેઠક મળી રહી છે અને મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરાઇ તેવી શકયતા છે.

હાલમાં જ જેલમાંથી છુટેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે મુખ્યમંત્રી પદ છોડશે અને તેમના અનુગામી અંગે પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. કેજરીવાલે ગઇકાલે જાહેરાત કરી હતી કે તેઓ જનતાની અદાલતમાં જઇ રહ્યા છે અને જનતા જો કહેશે તો તે ફરી એક વખત મુખ્યમંત્રી પદ સંભાળશે તેમની આ જાહેરાતથી દિલ્હીના રાજકારણમાં જબરી ઉતેજના સવાર થઇ ગઇ છે.
આજે સવારે અરવિંદ કેજરીવાલના નિવાસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને પક્ષના રાજયસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાની બેઠક મળી હતી અને આજે સાંજે આમ આદમી પાર્ટીની પોલીટીકલ અફેર્સ કમીટીની બેઠક મળી રહી છે અને મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરાઇ તેવી શકયતા છે.
બીજી તરફ આપના વરિષ્ઠ નેતા અને પ્રવકતા સૌરભ ભારદ્વાજે જાહેર કર્યુ કે મુખ્યમંત્રી કાલે ઉપરાજયપાલને રાજીનામુ સુપ્રત કરશે અને બાદમાં આમ આદમી પાર્ટી સરકાર રચવા માટે આદવો કરશે પરંતુ તે પૂર્વે પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવા તેની ચર્ચા થશે.
ભારદ્વાજે કહ્યું કે, લગભગ એક સપ્તાહમાં દિલ્હીને નવા મુખ્યમંત્રી મળી જશે. પોલીટીકલ અફેર્સ કમીટીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા, દુર્ગેશ પાઠક, આતીશી, ગોપાલ રાય, ઇમરાન હુસેન, રાઘવ ચઢ્ઢા, રાખી બિરલા, પંકજ ગુપ્તા અને એન.ડી. ગુપ્તાનો સમાવેશ થાય છે.