જાણવા જેવું

બજાજ હાઉસીંગ 70 સામે 150માં ખુલ્યો ચિક્કાર વોલ્યુમ વચ્ચે ઇન્વેસ્ટરો માલામાલ ,

શુભશ્રી બાયો, ગજાનંદ ઇન્ટર, આદિત્ય ઉર્જામાં કમાણી: ક્રોસ અને ટોલનીસ ટાયર્સમાં ખાસ કાંઇ ન વળ્યું: શેર સમાધાન માઇનસમાં ખુલ્યો

શેરબજારમાં સેકન્ડરી માર્કેટમાં રેકોર્ડબ્રેક તેજીની સાથોસાથ પ્રાયમરી માર્કેટમાં પણ અસામાન્ય ધમધમાટ છે. નાણાં એકત્રીત કરવા માટે કંપનીઓનો રાફડો છે અને શ્રેણીબધ્ધ ભરણા ખુલી રહ્યા છે. આજે એક જ દિવસમાં બજાજ હાઉસીંગ સહિત સાત કંપનીઓનું લીસ્ટીંગ થયું હતું. તેમાં એકને બાદ કરતા છમાં ઇન્વેસ્ટરોને કમાણી થઇ હતી. બીજી તરફ હાલ નવ કંપનીઓના ભરણા ખુલ્લા છે.

સેકન્ડરી માર્કેટની જેમ પ્રાયમરી માર્કેટ પણ નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. બજાજ હાઉસીંગ ફાઇનાન્સના લીસ્ટીંગ પર દરેક વર્ગની નજર હતી. ગત સપ્તાહે કંપનીના આઇપીઓએ રેકોર્ડ સર્જ્યો હતો. 6560 કરોડ એકત્ર કરવાના હતા તેની સામે ઇન્વેસ્ટરોએ 3.2 લાખ કરોડ ઠાલવી દીધા હતા. 70 રૂપિયાના મૂળભાવે અપાયેલા શેરનું આજે રૂા.150માં લીસ્ટીંગ થયું હતું.

ડબલ કરતાં વધુ (114.89 ટકા) ઉંચાઇએ ખુલ્યો હતો. રીટેઇલ ઇન્વેસ્ટરોએ 14980નું રોકાણ કર્યું હતું તેની સામે 17120નો નફો થયો હતો. 2,09,720 રૂપિયાની અરજી કરનારને 2.39 લાખનો નફો થયો હતો. જે ઇન્વેસ્ટરોને શેરો લાગ્યા હતા તેઓ માલામાલ બન્યા હતા. કંપનીના શેરમાં ચિક્કાર વોલયુમ હતું. 150માં લીસ્ટીંગ બાદ નીચામાં 146 તથા ઉંચામાં 164થી ઉંચો ભાવ પણ જોવા મળ્યો હતો.

બજાજ હાઉસીંગ સિવાય અન્ય છ કંપનીઓના પણ આજે લીસ્ટીંગ થયા હતા. ટોલીન્સ ટાયરનું 228ના ભાવે લીસ્ટીંગ થયું હતું. કંપનીએ 226ના ભાવે શેર આપ્યા હતા. ઇન્વેસ્ટરોને નાની અરજીમાં 132 રૂપિયાનો મામૂલી નફો હતો. મોટી અરજીમાં 1848 રૂપિયાની કમાણી હતી.

આ સિવાય ક્રોસ લીમીટેડનું રૂા.240માં ભાવોભાવ લીસ્ટીંગ હતું કંપનીએ 240માં શેર આપ્યા હતા અને આ જ ભાવે લીસ્ટીંગ હતું. આ ઉપરાંત આદિત્ય અલ્ટ્રાસ્ટીલ લીમીટેડ નામની એસએમઇ કંપનીના શેરનું લીસ્ટીંગ 12.74 ટકાના પ્રીમીયમથી થયું હતું. 62ના ભાવે અપાયેલો શેર 69.90 ખુલ્યો હતો. 1.24 લાખ રૂપિયાની અરજીમાં ઇન્વેસ્ટરોને 15800ની કમાણી થઇ હતી.

એસએમઇ ક્ષેત્રની જ શુભશ્રી બાયોફ્યુઅલ્સમાં ઇન્વેસ્ટરો માલામાલ થયા હતા. 119 રૂપિયાના ભાવે શેર અપાવ્યા હતા. 189ના ભાવે લીસ્ટીંગ થયું હતું. 1.48 લાખની અરજી સામે 84000નો નફો હતો.

રાજકોટના જસદણ સ્થિત કંપની ગજાનંદ ઇન્ટરનેશનલનું પણ આજે લીસ્ટીંગ થયું હતું. 36ના ભાવે અપાયેલો શેર 42 ખુલ્યો હતો. રૂા.1.08 લાખની અરજી પર ઇન્વેસ્ટરોને 18000ની કમાણી થઇ હતી.

શેર સમાધાન લીમીટેડ નામની અન્ય એક એસએમઇ કંપનીનું પણ આજે લીસ્ટીંગ થયું હતું. 74ના મૂળ ભાવ સામે 73.05માં ખુલ્યો હતો. રૂા.1.18 લાખની અરજીમાં ઇન્વેસ્ટરોને 1140 રૂપિયાની ખોટ ખાવાનો વખત આવ્યો હતો.

આજે એક જ દિવસમાં સાત કંપનીઓના લીસ્ટીંગ હતા તે પૈકી ચારમાં વતાઓછા પ્રમાણમાં કમાણી હતી. બેમાં કોઇ ખાસ વળ્યું નહતું. જ્યારે એકમાં ખોટ હતી. બીજી તરફ પ્રાયમરી માર્કેટમાં નવી-નવી કંપનીઓના આઇપીઓનો રાફડો યથાવત છે. આજે વધુ ચાર કંપનીઓના આઇપીઓ ખુલ્યા હતા. અન્ય પાંચ ચાલુ હતા એટલે કુલ નવ ભરણા હતી.

મુંબઇ શેરબજારમાં તેજીનો દોર સતત ચાલુ રહ્યો હોય તેમ સેન્સેક્સ તથા નીફટી નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. મીડકેપ ઇન્ડેક્સ પણ નવા શિખરે પહોંચ્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. મોટી અફડા તફડી ન હતી છતાં પસંદગીના ધોરણે લેવાલી ચાલુ હોવાથી ગ્રીનઝોનમાં જ હતું. લોકલ ફંડોની સાથોસાથ વિદેશી નાણાં સંસ્થાઓ પણ જંગી રોકાણ ઠાલવવા લાગી હોવાથી તેજીને ટેકો મળ્યો હતો. વિશ્ર્વ બજારના પોઝીટીવ ટોનની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે અમેરિકી વ્યાજદરના નિર્ણયનો મોટો પ્રભાવ પડી શકે છે.

શેરબજારમાં આજે જેએસડબલ્યૂ સ્ટીલ, એન્ટીપીસી, શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલકો, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર,પાવર ગ્રીડ, વીપ્રો, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, બીએસઇમાં ઉછાળો હતો. રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વિસ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારમાં સેન્સીટીવ ઇન્ડેક્સ 127 પોઇન્ટના સુધારાથી 83018 હતો તે ઉંચામાં 83184 તથા નીચામાં 82832 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 38 પોઇન્ટના સુધારાથી 25395 હતો જે ઉંચામાં 25445 તથા નીચામાં 25336 હતો. મીડકેપ ઇન્ડેક્સ 186 પોઇન્ટ ઉંચકાઇને 60220 હતો તે ઉંચામાં 60408 તથા નીચામાં 60029 હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button