મોદી અદ્દભુત વ્યકિત હું તેેને આગામી સપ્તાહે મળીશ ટ્રમ્પની જાહેરાત ,
અમેરિકી ચૂંટણીમાં મુળ ભારતીયો પર મોદીના પ્રભાવનો ઉપયોગ કરવા ટ્રમ્પની ચાલ જોકે ભારતે આ મુલાકાત અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી
અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રમુખ પદે ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હારિસ અને રીપબ્લીકન પાર્ટીના પ્રમુખ પદના દાવેદાર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો જંગ હવે રસપ્રદ બન્યો છે.
તો બીજી તરફ આ મહિનામાં જ અમેરિકાની મુલાકાતે જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે ફરી મુલાકાત યોજાઇ તેવી શકયતા દર્શાવાઇ છે મોદી તા. 23 અને 24 ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્ર સંઘની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવાના છે અને અન્ય કાર્યક્રમોમાં પણ મોદી સંબોધન કરશે તે સમયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને અદભુત નેતા તરીકે ગણાવીને તેઓ મોદીને મળશે તેવી જાહેરાત કરી છે. જોકે ભારત તરફથી વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે હજુ કોઇ સતાવાર જાહેરાત થઇ નથી. પરંતુ ટ્રમ્પે એક તરફ મોદીની ભરપુર પ્રશંસા કરી હતી. બીજી તરફ તેને ભારતને અમેરિકા સાથેના વ્યાપાર સમજુતીમાં સૌથી મોટા દુરૂપયોગ કરનાર દેશ તરીકે ગણાવ્યો હતો.
મોદી તા. 21ના રોજ કવાડની બેઠકમાં હાજરી આપનાર છે અને ન્યુયોર્કમાં પણ તેના કાર્યક્રમો છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે અમેરિકી પ્રમુખ પદના ઉમેદવારને વિદેશી મહાનુભાવો મળતા નથી પરંતુ 2019માં જયારે મોદી અમેરિકાની મુલાકાતે ગયા તે સમયે હાઉડી મોદી કાર્યક્રમ ટેકસાસમાં યોજાયો હતો અને 50 હજાર જેટલા મુળ ભારતીયોએ તેમાં હાજરી આપી હતી અને મોદીએ તે સમયે ફીર એક બાર ટ્રમ્પ સરકાર તેવું કહ્યું હતું.
જોકે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા તે અલગ બાબત છે અમેરિકી પ્રમુખ સાથે વડાપ્રધાન મોદીના સંબંધો ખાસ રહ્યા છે તેમાં ટ્રમ્પ ઉપરાંત બારાક ઓબામાનો સમાવેશ થાય છે અને ભારતમાં પણ ટ્રમ્પનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો.
આમ બંને વચ્ચે વ્યકિતગત સંબંધો પણ છે પરંતુ અમેરિકામાં વસતા ભારતીય મુળના લોકોના મતો મહત્વના છે અને આ ચૂંટણીમાં મુૃળ ભારતીય અમેરિકી કમલા હારિસએ ટ્રમ્પ સામે ડેમોક્રેટીક ઉમેદવાર છે અને તેથી જ મોદી ટ્રમ્પને મળવાનું પસંદ કરશે કે કેમ તે અંગે ચર્ચા છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદભુત વ્યકિત ગણાવાની સાથોસાથ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ટીકા કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર સમજુતી છે તેમાં તેનો ભારત સૌથી મોટો દુરૂપયોગ કરે છે મીસીગનમાં તેઓએ આ આક્ષેપ કર્યો હતો પરંતુ કોઇ માહિતી આપી ન હતી. જેના કારણે ટ્રમ્પના આ બેવડા વલણ અંગે પ્રશ્ર્ન સર્જાયો છે.


