સંમેલન પૂર્વે યુવરાજ જયવીરસિંહની સ્પષ્ટતા હું કોઇ સમિતિનો ભાગ નથી : રાજકીય લાભ માટે મારા વડીલોનો દુરૂપયોગ ન કરો ,
જયવીરસિંહની સ્પષ્ટતા હું કોઇ સમિતિનો ભાગ નથી અને કોઇ કાર્યક્રમમાં સામેલ નથી ,
ભાવનગર :- 20/09/2024 , ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે જે ક્ષત્રિય ફેકટર સર્જાયુ હતું તે પછી સમગ્ર ક્ષત્રિય સમાજને એક કરવા માટે આવતીકાલે તા. 20ના રોજ અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત ભવનમાં તમામ ક્ષત્રિય આગેવાનોનું સંમેલન ‘સમસ્ત ક્ષત્રિય શકિત અસ્મિતા મંચ’ના બેનર હેઠળ મળી રહ્યું છે.
તે સમયે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં તેઓએ સોશ્યલ મીડિયામાં પોતાની પોસ્ટમાં જણાવ્યું કે હું કોઇ સમિતિનો સભ્ય નથી કે સમિતિનો ભાગ નથી હું કોઇપણ કાર્યક્રમમાં સામેલ થવાનો નથી.
તેઓએ જણાવ્યું કે, હું હંમેશા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિધ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. તેઓએ કહ્યું કે, રાજપૂત સમાજની કોઇ પણ સમિતિ રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરૂપયોગ કરી રાજકારણમાં સામેલ ન થાય તેની હું વિનંતી કરૂ છું.
તેમણે કહ્યું કે રાજકારણ કરવા માટે આ જગ્યા નથી. આમ આવતીકાલના સંમેલન પૂર્વ આંચકો લાગ્યો છે. આ સંમેલનમાં છ હજારથી વધુ લોકો હાજર રહેશે. જેમાં ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓને આમંત્રણ અપાયું છે. રાજકોટ લોકસભા ચૂંટણી સમયે વર્તમાન સાંસદ પરસોતમ રૂપાલાના કેટલાક વિધાનો અંગે જે વિવાદ સર્જાયો હતો તે બાદ આ સંમેલન બોલાવીને કોઇ મંચ ઉભો કરવા પ્રયત્ન થયો છે.



