સાઉદી અરેબીયામાં તબીબી ક્ષેત્રે એક ચમત્કાર , સંપૂર્ણ રીતે રોબોટીક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને નવી સિધ્ધિ મેળવી છે
16 વર્ષના ટીનેજર પર છાતી ખોલ્યા વગર રોબોટીક આર્મ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઇ : કિંગ ફૈઝલ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના તબીબોએ મેડીકલ મીરેકલ સર્જયો

સાઉદી અરેબીયામાં તબીબી ક્ષેત્રે એક ચમત્કાર જેવી સિધ્ધિ મેળવવામાં આવી છે અને અહીંની કિંગ ફૈઝલ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરે 16 વર્ષના એક ટીનેજર ઉપર સંપૂર્ણ રીતે રોબોટીક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને નવી સિધ્ધિ મેળવી છે. દુનિયાની આ પ્રથમ ફુલ્લી રોબોટીક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ગણવામાં આવે છે.
લગભગ અઢી કલાક ચાલેલી આ સર્જરીમાં 16 વર્ષના એક ટીનેજર કે જે હૃદયની બિમારીમાં અને ખાસ કરીને હાર્ટ ફેલ્યુઅર તરીકે ગણાવી શકાય તેવી સ્થિતિમાં પહોંચી ગયો હતો અને તેની શારીરિક હાલત એવી હતી કે તેના પર કોઇ મહત્વપૂર્ણ મોટી સર્જરી કરી શકાય તેવી સ્થિતિ ન હતી. ખાસ કરીને દર્દીએ પોતે જ મોટી વાઢકાપ નહીં કરવા વિનંતી કરી હતી અને સ્પેશ્યાલિસ્ટ તબીબોએ તેની છાતી ચીરી શકાય નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો. તે બાદ આ ફુલ્લી રોબોટીક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી જે તબીબી જગતમાં એક નવા સીમાચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને સાઉદી અરેબીયામાં આ પ્રકારની રોબોટીક અને અત્યંત ગુંચવણભરી મેડીકલ પ્રક્રિયાને સફળ બનાવીને તેનું અનેરૂ સ્થાન બનાવ્યું છે.
ખાસ કરીને આ પ્રકારની સર્જરીમાં છાતીમાં વાઢકાપ જરૂરી બને છે પરંતુ સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા મુજબ અત્યંત આધુનિક રોબોટીક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો હતો અને તેના શરીરમાં અત્યંત ઓછા વાઢકાપ કરવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છેદ દ્વારા સર્જરી થઇ હતી જેના કારણે આ ટીનેજર દર્દીને શારીરિક રીતે પણ અત્યંત ઓછી પીડા સહન કરવી પડી હતી.
આ પ્રક્રિયાને મીનીમલી ઇન્વેસીવ સર્જરી તરીકે ઓળખવામાં આવે છે જેમાં રોબોટ અત્યંત કુશળતાપૂર્વક સમગ્ર પ્રક્રિયા કરે છે અને દર્દીની રીકવરી પણ ઝડપી હોય છે અને ઓપરેશન બાદની પીડાને પણ ઘટાડે છે અને દર્દી ઝડપથી પોતાનું સામાન્ય જીવન જીવી શકે છે. કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટમાં આ એક મહત્વની સિધ્ધિ ગણવામાં આવે છે અને તેના માટે અત્યંત સંભાળ પૂર્વક તૈયારી કરવામાં આવી હતી.
તબીબી ગ્રુપએ ત્રણ દિવસમાં સાત વખત સમગ્ર પ્રક્રિયાનું નિર્દેશન કર્યુ હતું. આ નવા પ્રકારની પધ્ધતિથી રોબોટીક સાધન છાતી ખોલ્યા વગર હૃદય સુધી પહોંચી ગયું હતું અને તેણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયા પૂરી કરી હતી. સામાન્ય રીતે આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલતી હોય છે પરંતુ તેને દિવસોમાં પૂરી કરવામાં આવી હતી.