તિરૂપતિના લાડુમાં પશુની ચરબી સહિતના તત્વો હોવાના ઘટસ્ફોટથી સર્જાયેલા વિવાદ વચ્ચે હવે આ લાડુમાં તંબાકુ પણ હોવાનો દાવો એક શ્રધ્ધાળુએ કરતા વિવાદ વધ્યો છે.
તેલંગણાના એક શ્રધ્ધાળુ મહિલાનો ઘટસ્ફોટ : હાલમાં જ દર્શનાર્થે ગયા હતા
વિખ્યાત તિર્થધામ તિરૂપતિના લાડુમાં પશુની ચરબી સહિતના તત્વો હોવાના ઘટસ્ફોટથી સર્જાયેલા વિવાદ વચ્ચે હવે આ લાડુમાં તંબાકુ પણ હોવાનો દાવો એક શ્રધ્ધાળુએ કરતા વિવાદ વધ્યો છે.
તેલંગણાના ગોલાગુદમ પંચાયતના કાર્તિકેયા ટાઉનશીપમાં રહેતા પદ્માવતી નામની એક મહિલાએ ફરિયાદ કરી છે કે તેણે પ્રસાદમમાં લાડુ મેળવ્યા પછી તેમાં અંદર કાગળમાં વિંટાળેલ તંબાકુ પણ જોવા મળ્યું હતું. તેલંગણાના ખમન્ના ડિસ્ટ્રીકટના આ મહિલા એ લાડુની અંદર તંબાકુની પડીકી હોવાનું દાવો કરતી તસ્વીર પણ રીલીઝ કરી છે.
તેઓ ગત તા. 19ના રોજ તિરૂમાલા મંદિરે દર્શને ગયા હતા અને પ્રસાદ મેળવ્યો હતો અને જયારે ઘરે પ્રસાદ ખોલ્યો તો તેમાં લાડુની અંદર નાની પડીકીમાં તંબાકુ જોવા મળ્યો હતો તેને તુર્ત જ આ અંગે ફરિયાદ કરી છે.
એક તરફ આ લાડુની બનાવટમાં જે ઘીનો ઉપયોગ થાય છે તે ઘીમાં પશુની ચરબી સહિતના વાંધાજનક તત્વો બહાર આવતા જ રાજકીય વિવાદ પણ છેડાઇ ગયો છે. તે વચ્ચે હવે લાડુમાં તંબાકુની પડીકી જોવા મળતા વિવાદ વધશે.



