ગુજરાત

ગુજરાતમાં પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના નવા મહાનગરોની રચના બાદ રાજય સરકાર હવે આગામી સમયમાં વધુ નવા ચાર થી પાંચ જિલ્લા બનાવવા માટે આગળ વધી રહી છે.

રાજયમાં વહીવટી કામગીરીમાં સરળતા માટે સરકારનો મહત્વનો નિર્ણય : દુરના વિસ્તારોને જિલ્લા મથકે પહોંચવામાં પડતી મુશ્કેલીઓ પણ નિવારવા આયોજન : બ્લુ પ્રિન્ટ બનાવવાની કામગીરી શરૂ

ગુજરાતમાં પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના નવા મહાનગરોની રચના બાદ રાજય સરકાર હવે આગામી સમયમાં વધુ નવા ચાર થી પાંચ જિલ્લા બનાવવા માટે આગળ વધી રહી છે. રાજયના વહીવટી તંત્રમાં માઇક્રો લેવલ સુધી ઝડપ લાવવા અને સક્ષમ આઇએએસ અધિકારીઓ મારફત સમગ્ર વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે હાલના અનેક મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લાની રચના કરવામાં આવશે.

જેના કારણે વહીવટી સુમગતા પણ વધશે અને અનેક મોટા જિલ્લાઓના કારણે છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને જે રીતે જિલ્લા મથકે જવા માટે લાંબી મુસાફરી કરવી પડે છે તેને પણ સરળતા રહેશે. રાજય સરકાર દ્વારા આ અંગે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને તે આગામી સમયમાં દિવાળી પછી નવા મહાનગરોની રચના પૂર્ણ થયાની સાથે નવા જિલ્લાઓની જાહેરાત કરવામાં આવશે.

રાજયમાં પાંચ નવા મહાનગરોની રચના થઇ છે હવે જે નવા જિલ્લાઓની રચના થવા જઇ રહી છે તેમાં અમદાવાદ શહેર  અને અમદાવાદ જિલ્લાને અલગ કરી દેવાશે અને અમદાવાદ શહેર એ ખુદ જિલ્લો બની જશે આ જ રીતે ગાંધીનગરને પણ અલગ જિલ્લો જાહેર કરાશે. કચ્છ, મહેસાણા અને બનાસકાંઠામાંથી નવા જિલ્લાની કોતરણીની કામગીરી આગળ વધી રહી છે.

અમદાવાદને અલગ જિલ્લો આપીને વિરમગામને એક નવો જિલ્લો જાહેર કરાશે અને તેમાં અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોને સમાવી લેવાશે આ જ રીતે કચ્છ કે જે એક સૌથી મોટો જિલ્લો છે તેના પણ ભાગલા કરીને પૂર્વ અને પશ્ર્ચિમ એમ બે જિલ્લાની રચના કરાશે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના પણ ભાગલા થશે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને એક અલગ જિલ્લો બનાવવા માટે તૈયારી છે. હાલમાં જ વડાપ્રધાનની મુલાકાત દરમ્યાન આ અંગે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે અને વડનગરને જિલ્લાની સુવિધા મળે તેવી રજુઆત મુખ્યમંત્રી સમક્ષ થઇ હતી. જિલ્લાની નવી રચના એ અત્યંત ગુંચવણભરી પ્રક્રિયા છે.

મહાનગરોમાં થોડી સરળતાથી અલગ રચના થઇ શકે છે. જયારે જિલ્લાની રચનામાં તાલુકા અને ગ્રામ પંચાયતને પણ વિશ્વાસમાં લેવી જરૂરી બને છે અને સરકાર તેથી તેમાં સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં એક વખત વસ્તી ગણતરી પ્રક્રિયા પૂરી થયા બાદ નવા સીમાંકન પણ થશે અને તેમાં ગુજરાતમાં લોકસભાની બેઠક પણ વધી શકે છે અને તેમાં આ નવા જિલ્લાની રચના મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે.

નવા જિલ્લાઓની રચનાના કારણે વહીવટી તંત્રમાં પણ તે બાદ મોટા ફેરફાર શકય બનશે. રાજય સરકારે મહાનગરપાલિકાઓની રચના કર્યા બાદ હવે આસપાસના વિસ્તારોને તેમાં ભેળવવા અંગે પણ પ્રક્રિયા હાથ ધરી છે અને તે અંગે પણ આગામી સમયમાં નિર્ણય લેવાશે તેવું માનવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button