શેેરબજાર અને ગુજરાતના નાતો ચોલી : 10 એકટીવ ઇન્વેસ્ટર જિલ્લાઓમાં રાજકોટ – અમદાવાદ અને સુરતનો સમાવેશ
મુંબઇ અને દિલ્હી પ્રથમ બે ક્રમાંકે, ત્રીજા ક્રમાંકે અમદાવાદ, સુરત છઠ્ઠા ક્રમે અને રાજકોટ 1.8 લાખ એકટીવ ઇન્વેસ્ટર સાથે નવમાં ક્રમે : જોકે ઓગષ્ટ માસમાં સક્રિય રોકાણકારોમાં થોડો ઘટાડો : સપ્ટેમ્બરમાં ફરી ક્રેઝ વધ્યો

દેશમાં શેરબજાર સહિતના ફાયનાશ્યિલ માર્કેટોમાં તેજીના કારણે ઇન્વેસ્ટરોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે અને આઇપીઓ સહિતનું આકર્ષણ પણ હવે છેક ગ્રામીણ સ્તર સુધી ફેલાઇ ગયું છે તે સમયે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ગણાતા ગુજરાતમાં પણ રોકાણકારોની સંખ્યામાં જબરો વધારો થયો છે અને હાલમાં જ આવેલા એક અભ્યાસ મુજબ શેરબજારમાં રોકાણ સંબંધમાં દેશમાં ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના ત્રણ અમદાવાદ, સુુરત અને રાજકોટમાં સમાવેશ થયો છે.
નેશનલ સ્ટોક એકસચેંજના ડેટા મુજબ દેશમાં રોકાણકારોમાં મુંબઇ અને દિલ્હી બાદ અમદાવાદ ત્રીજા સ્થાને છે અને આ મહાનગરમાં 4.8ર લાખ એકટીવ ઇન્વેસ્ટર હોવાનું બહાર આવ્યું છે સુરત એ છઠ્ઠા ક્રમે જયાં 3.6 લાખ સક્રિય રોકાણકારો અને રાજકોટ 1.8 લાખ એકટીવ રોકાણકારો સાથે 9માં ક્રમે છે.
આમ દેશના ટોપ ટેનમાં સૌરાષ્ટ્રના રાજકોટનો સમાવેશ થયો છે. જોકે એક તરફ શેરબજારમાં રીટેલ ઇન્વેસ્ટરોની સંખ્યા વધતી જાય છે પરંતુ છેલ્લા એક માસમાં આ ટોપ ટેન જિલ્લાઓમાં એકટીવ ટ્રેડર્સની સંખ્યામાં માસિક ધોરણે ર.ર ટકાનો ઘટાડો થયો છે અને ઓગષ્ટ માસમાં તે 48.ર લાખ નોંધાયા છે.
જોકે મુંબઇમાં પણ એકટીવ ટ્રેડર્સની સંખ્યા ઘટી છે. આ એકટીવ ટ્રેડર્સમાં એ લોકોનો સમાવેશ કરાયો છે જે મહિનામાં કમસે કમ એક વખત ટ્રેડીંગ કરતા હોય છે. આ રીપોર્ટ કહે છે કે તેમ છતાં પણ મુંબઇ 12.5 લાખ એકટીવ ઇન્વેસ્ટર સાથે પ્રથમ ક્રમે છે જયારે દિલ્હી અને નેશનલ કેપીટલ રીજીયોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં 11.9 લાખ, અમદાવાદમાં 4.8 લાખ એકટીવ ઇન્વેસ્ટર છે.
આ ટોપ ટેનમાં કોલકતામાં એકટીવ ઇન્વેસ્ટરમાં સૌથી મોટો ઘટાડો થયો છે. જોકે મુંબઇ અને દિલ્હી એ એકટીવ ઇન્વેસ્ટમેન્ટમાં સતત પ્રથમ બે ક્રમે રહ્યા છે. જયારે અમદાવાદ એ દિલ્હી અને પુનાને પાછળ રાખીને ત્રીજુ સ્થાન મેળવ્યું છે અને તેથી જ સ્ટોક બ્રોકર ગુંજન ચોકસીના અર્થઘટન મુજબ રાજયમાં ઇકવીટી માર્કેટ પ્રત્યેનો જે લગાવ છે તે યથાવત રહ્યો છે અને અમદાવાદ, સુરત, રાજકોટ એ ઝડપથી ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી જિલ્લા બની રહે છે.
ખાસ કરીને રોજગાર સહિતની વ્યવસ્થા વધતા લોકો પોતાના નાણાનું હવે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. આ ટોપ ટેન જિલ્લાઓમાં ઓગષ્ટ માસમાં 18.9 ટકાનું રોકાણ થયું હતું. સૌથી નવા ઈન્વેસ્ટરો જોડવામાં દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે અને મુંબઇ બીજા ક્રમે રહ્યું છે. જોકે આ ટોપ ટેન જિલ્લાઓમાં એકંદરે 18.2 ટકા ઇન્વેસ્ટર ઘટયા પણ છે.