ભગવદ્ ગીતા અને ભરતમુનિના નાટયશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજિસ્ટરમાં સ્થાન મળ્યું ,
ભગવદ ગીતા અને ભરત મુનિના નાટયશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે, જેને લઈને વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી લખ્યું- ગર્વની ક્ષણ.
તેમણે આ ઘટનાને દુનિયાભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં ગીતા અને નાટયશાસ્ત્રને સામેલ કરવાની ઘટના આપણી શાશ્વત બુદ્ધમતા અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગીતા અને નાટયશાસ્ત્રે સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેની અંતદ્દષ્ટિ દુનિયાને પ્રેરિત કરે છે.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની એકસ પોસ્ટને શેર કરી હતી, શેખાવતે લખ્યું- ભારતના સભ્યતાગ્રસ્ત વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
શ્રીમદ ભગવદ ગીતા અને ભારતમુનિના નાટય શાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં સામેલ કર્યું છે. ભગવદગીતા એક પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ અને આધ્યાત્મિક માર્ગદર્શક છે. નાટયશાસ્ત્ર પ્રદર્શન કલાઓ પર એક પ્રાચીન ગ્રંથ છે. તે લાંબા સમયથી ભારતની બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઓળખનો મુખ્ય સ્તંભ છે.
17 એપ્રિલે યુનેસ્કોએ પોતાના મેમરી ઓફ ધી વર્લ્ડ રજીસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસાના સંગ્રહ જોડયા છે. આથી કુલ અંકિત સંગ્રહોની સંખ્યા 570 થઈ ગઈ છે. આ રજીસ્ટરમાં 72 દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનોની વૈજ્ઞાનિક ક્રાંતિ, ઈતિહાસમાં મહિલાઓનું યોગદાન અને બહુપક્ષવાદની સિદ્ધિઓ પર એન્ટ્રીઓ સામેલ કરાઈ છે.
યુનેસ્કોના મેમરી ઓફ ધી વર્લ્ડ રજિસ્ટરના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો વારસાની યાદી છે, તેમાં દસ્તાવેજી વારસાને આંતરરાષ્ટ્રીય સલાહકાર સમીતીની ભલામણ અન કાર્યકારી બોર્ડની સ્વીકૃતિથી પસંદ કરવામાં આવે છે.
આ યાદીમાં સામેલ થવુ દસ્તાવેજી વારસાના વૈશ્વિક મહત્વ અને સર્વકાલિક મુલ્યને સાર્વજનિક રૂપે સ્વીકાર કરે છે, આથી સંશોધન, મનોરંજન, શિક્ષણ સંરક્ષણને પ્રોત્સાહન મળે છે.



