સંસદના બજેટ સત્રમાં અંતિમ તબકકામાં વકફ કાનૂન સુધારા ખરડો મંજુર કરાયા બાદ હવે કેન્દ્રની મોદી સરકારે વન નેશન વન ઈલેકશનનો એજન્ડા હાથ પર લીધો છે
પુર્વ ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ પાસેથી કાનુની મુદાઓ અંગે માહિતી મંગાશે : સમિતી આ માસથી જ દેશભરમાં એક બાદ એક રાજયનો પ્રવાસ કરી રાજય સરકારો તેમજ અન્ય સંગઠનો સાથે પણ બેઠક યોજશે
સંસદના બજેટ સત્રમાં અંતિમ તબકકામાં વકફ કાનૂન સુધારા ખરડો મંજુર કરાયા બાદ હવે કેન્દ્રની મોદી સરકારે વન નેશન વન ઈલેકશનનો એજન્ડા હાથ પર લીધો છે. આ ઉપરાંત ભાજપ શાસનના વધુ રાજયોમાં કોમન સીવીલ કોડ પણ દાખલ કરવાની તૈયારી છે.
આજથી દિલ્હીમાં વન નેશન વન ઈલેકશન મુદે સંયુક્ત સંસદીય સમીતીની બેઠકોનો દૌર શરુ થશે અને આજે સાત કલાકની મેરેથોન બેઠકમાં કાનૂની અને ન્યાયીક ક્ષેત્રના નિષ્ણાંતો પણ સામેલ થશે અને તેમાં દેશભરમાં એક સાથે ચૂંટણીનો એજન્ડા લાગુ કરવાના મુદે જે કાંઈ ન્યાયીક અને કાનૂની મુદાઓ હશે તેની ચર્ચા થશે.
આ બેઠકમાં સુપ્રીમકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ એમ.એન.ઝા, કાનૂન આયોગના ચેરમેન જસ્ટીસ બી.એસ.ચૌહાણ ઉપરાંત સુપ્રીમકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ જસ્ટીસ હેમંત ગુપ્તા અને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ પણ સામેલ થશે જયારે રાજયસભાના સાંસદ અને સુપ્રીમકોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી અભિષેક મનુ સીંઘવી પણ આ બેઠકમાં ભાગ લેશે.
દરેક માટે એક એક સેશન્સ નકકી કરવામાં આવ્યું છે. સંયુક્ત સંસદીય સમીતીના ચેરમેન પી.સી.ચૌધરીના જણાવ્યા મુજબ હવે વન નેશન વન ઈલેકશનની એક વેબસાઈટ લોન્ચ કરાશે.
ત્યારબાદ આ એજન્ડાની તમામ માહિતી આ વેબસાઈટ પર મળશે. એટલું જ નહી લોકો પોતાના અભિપ્રાય પણ ઓનલાઈન મોકલી દેશે. છેલ્લે તા.25ના રોજ સંયુક્ત સંસદીય સમીતીની બેઠક ત્રણ કલાક ચાલી હતી.
જેમાં દિલ્હી હાઈકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ ડી.એલ.પટેલ તથા એટર્ની જનરલ આર.વેંકટરમણી સામેલ થયા હતા. બાદમાં સંયુક્ત સંસદીય સમીતી રાજયોનો પ્રવાસ શરુ કરશે જેમાં સર્વપ્રથમ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ મે માસમાં ઉતરાખંડ, જુન માસમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ-હરીયાણા અને ચંદીગઢ જશે અને તેનો સર્વગ્રાહી અહેવાલ બાદમાં સંસદને સુપ્રત કરશે.



