ક્રેડીટકાર્ડ બાદ પર્સનલ લોનમાં પણ મોટો વધારો: RBI ચિંતીત
બેંકો અને નોનબેંકીંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા છુટા હાથે અપાતી પર્સનલ લોનને બ્રેક મારવા આરબીઆઈની તૈયારી: NPA વધવાનો ભય

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ દેશની બેન્કોમાં વધતી જતી પર્સનલ લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે ગઈકાલે નવી ધિરાણ નીતિની જાહેરાત કરતા સમયે આ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બેંકો અને નોનબેંકીંગ ફાયનાન્સીયલ કંપનીઓ દ્વારા જે વ્યાપક રીતે પર્સનલ લોન આપવામાં આવી રહી છે તે ચોકકસપણે ચિંતાનો વિષય છે.
એક તરફ દેશમાં ક્રેડીટકાર્ડ કલ્ચર વધી રહ્યું છે અને ક્રેડીટકાર્ડનું આઉટસ્ટેન્ડીંગ અત્યાર સુધીની સૌથી ઉંચી 2.18 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે તેની સાથોસાથ જ ક્રેડીટકાર્ડ જેમ જ અનસિકયોર્ડ ગણાતી પર્સનલ લોનનું વધેલુ પ્રમાણ બેંકો માટે પણ ચિંતા છે.
આરબીઆઈના ડેટા મુજબ પર્સનલ લોનનો વિકાસદર 30.8 ટકા થયો છે જે ગત વર્ષે 19 ટકાની આસપાસ હતો. આરબીઆઈની ચિંતા એ જ છે કે કોઈ સિકયોર્ડ નહી તેવી લોનનું પ્રમાણ વધતા બેંકોનું એનપીએ ભવિષ્યમાં ફરી વધી શકે છે. તેની સાથે જ આરબીઆઈ દ્વારા હવે પર્સનલ લોન પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
એક તરફ બેંકોને ધિરાણની માંગને પહોંચી વળવા વધુ ડિપોઝીટ મેળવવાની દૌટ છે અને આરબીઆઈએ વ્યાજદર વધારતા બેંકોના થાપણના દર પણ વધ્યા છે તેથી બેંકોને માર્જીન જાળવવા માટે ઉંચા વ્યાજની લોન આપવાની ફરજ પડી રહી છે અને તેથી જ બેંકો તે તરફ વળી છે તે સમયે આરબીઆઈની ચિંતા વધી હોવાનું પણ માનવામાં આવે છે.
આરબીઆઈના ડેટા મુજબ છેલ્લા ચાર મહિનામાં બેંકનો લોન પોર્ટફોલિયો એકંદરે રૂા.7 લાખ કરોડ વધ્યો છે અને કુલ 47.70 લાખ કરોડનું ધિરાણ બેંકોએ કર્યુ છે.



