રશિયા – યુક્રેન યુધ્ધ વિરામ માટે મોદી એકશનમાં : NSA ડોભાલ રશિયા જશે ,
પુતિન બાદ હવે ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ પણ યુધ્ધ વિરામમાં મોદીની ભૂમિકા મહત્વની હોવાનું સ્વીકાર્યુ : ચીનના એનએસએ પણ ડોભાલ મળે તેવી શકયતા
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ વધુ ભીષણ બની રહ્યું છે અને બંને એકબીજાના પ્રદેશો કબજે કર્યા હોવાના દાવા કરી રહ્યા છે તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ભારત યુધ્ધ વિરામ માટે પ્રયત્ન કરે તેવા કરેલા વિધાનો બાદ ડિપ્લોમેટીક હિલચાલ વધી ગઇ છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ સપ્તાહમાં જ રશિયાની મુલાકાત લેશે અને યુધ્ધ વિરામના પુતિનની દરખાસ્તો પર ચર્ચા થશે. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યસ્થી બની શકે છે તેવા કરેલા વિધાનો અને વડાપ્રધાન મોદીની જુલાઇ માસ રશિયા મુલાકાત બાદ ઓગષ્ટમાં તેઓએ જે રીતે યુક્રેનની પણ મુલાકાત લીધી.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ પણ વડાપ્રધાનની મધ્યસ્થતાની તરફેણ કરી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધી જશે તેવું માનવામાં આવે છે. ફકત પુતિન નહીં પરંતુ હાલમાં જ યુક્રેન ગયેલા ઇટાલીના રાષ્ટ્રપતિ મેલોનીએ પણ યુધ્ધ અટકાવવા વડાપ્રધાન મોદી સક્ષમ વ્યકિત છે અને તેથી હવે સૌની નજર ભારત ઉપર છે.
જોકે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ભારતની ભૂમિકાને આવકારી હતી. તે સમયે ડોભાલની આ મુલાકાત મહત્વની ગણવામાં આવે છે. જોકે ડોભાલનો સત્તાવાર એજન્ડા બ્રિકસ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની હાજરીનો છે પરંતુ તે સમયે રશિયા ઉપરાંત ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે પણ યુક્રેન યુધ્ધ અંગે ચર્ચા કરી શકે છે.
વડાપ્રધાન મોદી ખુદ ઓકટોબરમાં ફરી એક વખત રશિયા જવાના છે અને તે પૂર્વે વાટાઘાટનો ગ્રાઉન્ડ તૈયાર થાય તેવી શકયતા નકારાતી નથી.



